~: શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણનાં પ્રાગટ્ય વિષેની આગાહી.
- પદ્મ પુરાણ:
પાખંડ બહુલે લોકે સ્વામિનામ્ના હરિ: સ્વયમ્ |
પાપપંક નિમગ્નં તજ્જગદુદ્વારયિષ્યતિ ||
અર્થ: જ્યારે લોકમાં પાખંડ વધી જશે ત્યારે સ્વયં શ્રી હરિ સ્વામિનારાયણ નામ ધારણ કરીને પાપરૂપ કાદવમાં ખુંચેલા જગતનો ઉદ્ધાર કરશે.
- બ્રહ્માંડ પુરાણ:
દત્તાત્રેય: કૃતયુગે ત્રેતાયાં રઘુનંદન: |
દ્વાપરે વાસુદેવ: સ્યાત્ કલૌ સ્વામિવૃષાત્મજ: ||
અર્થ: સતયુગમાં દત્તાત્રેય ભગવાન, ત્રેતાયુગમાં રામચંદ્ર ભગવાન, દ્વાપરયુગમાં વાસુદેવ ભગવાન અને કળિયુગમાં ભગવાન ધર્મના પુત્ર શ્રી સ્વામિનારાયણ તરીકે પ્રગટ થશે.
- વિશ્વસેન સંહિતા:
ભૂમ્યાં કૃતાવતારોયં સ્ર્વાનેતાન જનાનહમ્ |
પ્રાપયિષ્યામિ વૈકુંઠં સહજાનંદ નામત: ||
અર્થ: હું સહજાનંદ નામથી ભૂમિ ઉપર અવતાર ધારણ કરી આ સર્વ લોકોને માયાના સર્વ અવરોધોથી પાર અક્ષરધામને પમાડીશ.
- ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કળીયુગમાં ધર્મ સ્થાપન અર્થે અવતાર લેવાનો આપેલો કોલ
એક સમયે યુદ્ધાર્થે મથુરાપુરી પ્રત્યે આવેલા જરાસંધની સાથે યુદ્ધસમય આવતા શ્રી કૃષ્ણે પોતાના પ્રાદુર્ભાવનો હેતુ વિચારતાં, આ રીતે પોતાના પ્રાદુર્ભાવના ધારણની પ્રતિજ્ઞા કરી હતી:
"અન્યો: અપિ ધર્મરક્ષાયૈ દેહ સંભ્રિયતે મયા |
વિરામાયાપ્યધર્મસ્ય કાલે પ્રભવત: કચિત્ ||"
અર્થ: ધર્મ રક્ષણ માટે અને વૃદ્ધિ પામતા અધર્મનો નાશ કરવા માટે કોઇક સમયમાં હું બીજો અવતાર ધારણ કરીશ. માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામગમન સમયે પોતાના બીજા પ્રાદુર્ભાવના સંબંધમાં ‘સમગ્ર જીવોના કલ્યાણને કરનારૂં મારૂં જ્ઞાન ધારવા કોણ સમર્થ થાય?’ એમ વિચાર કરતા તેવા ગુણવાળા ઉદ્ધવજીને જાણીને, તેમને આચાર્યપદવી આપવાપૂર્વક પોતાની જ્ઞાનરૂપ ધૂરા સોંપી હતી. જેમકે,
“અસ્માલ્લોકાદુપરતે મયિ જ્ઞાનં મદાશ્રયમ્ |
અર્હત્યુદ્ધવ એવાદ્ધા સંપ્રત્યાત્મવતાં વર: ||
નોદ્ધવો: અણ્વપિ મન્ન્યૂનો યદ્ગુણૈર્નાર્દિત: પ્રભુ: |
અતો મદ્વયુનં લોકં ગ્રાહયન્નિહ તિષ્ઠતુ ||’’
ઉદ્ધવજીને કહ્યું કે આ અવતારમાં તો અધર્મનો નાશ થઇ શક્યો છે. પણ ધર્મનાં સ્થાપનને અર્થે હું કળીયુગમાં ફરીથી અવતાર લઇશ. તમે મારી પહેલાં અવતાર લઇને ધર્મ સ્થાપનની તૈયારી કરજો. આ ઉદ્ધવજી અવતાર લઇને રામાનંદ સ્વામી તરીકે ઓળખાયા અને શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી.
- ભગવાનને પૃથ્વિ પર અવતાર ધારણ કરવાનું બીજું એક નિમિત્ત:
ધર્મની આવી દૂર્દશાથી વ્યથિત થઇ દિવ્યદેહે પૃથ્વિ પર વિચરતાં ઋષિમુનિઓ પ્રજાને આ દૂર્દશામાંથી મુકાવવાની પ્રાર્થના કરવા બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી નરનારાયણ પાસે એકઠાં થયાં અને ત્યાં પ્રભુઇચ્છથી જ ભગવાનને પૃથ્વિ પર અવતાર ધારણ કરવાનું બીજું એક નિમિત્ત આ રીતે બની આવ્યું.......
બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણદેવ મુનિઓ સાથે બિરાજેલા હતા. ત્યાં મરીચિ, શુક, ગર્ગ, ગૌતમ વગેરે અનેક ઋષિઓ ભગવાન નરનારાયણનાં દર્શનાર્થે આવ્યા. નરનારાયણે તેમને ભરતખંડમાં લોકો ધર્મનું પાલન કેવુંક કરે છે તેમ પૂછતાં ઋષિઓએ અધર્મનું જોર વધી ગયું હોવાનું અને ધર્માચરણમાં ચોમેર શિથિલતા પ્રવેશી હોવાનું વર્ણન કર્યું. આ સમયે તેમનાં માતાપિતા મૂર્તિ ને ધર્મ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને નારાયણ ઋષિ ભરતખંડમાં વ્યાપેલા અધર્મની વાત કહેવા લાગ્યા. તેમને સાંભળવામાં બધાં એક ધ્યાન થઇ બેઠાં હતાં, તે સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવી પહોંચ્યા. તેમનાં પ્રત્યે કોઇનું ધ્યાન ન જતાં ક્રોધે ભરાઇ તેમણે શાપ આપ્યો કે “તમો બધાં મનુષ્ય દેહને ધરો અને અસુરજનો તરફથી પીડાને પામો.”
શાપથી ભય પામીને બધાંએ નમ્રતાથી અપરાધની ક્ષમા માગી ત્યારે દુર્વાસાએ કહ્યું કે “મારો શાપ મિથ્યા નહિ થાય પરંતુ હું એટલો અનુગ્રહ કરું છું કે તમે ધર્મ અને ભક્તિ બંને પતિ-પત્નિ રૂપે અવતરશો અને આ ભગવાન નારાયણ ઋષિ તમારા પુત્ર થશે ત્યારે શાપનો તાપ ટળશે.” તે જ રીતે ઉદ્ધવજી સહિત બધા ઋષિઓને પણ કહ્યું કે તમે સૌ જુદા જુદા વર્ણોમાં અવતાર લેશો અને મૂર્તિ ધર્મનાં પુત્રરૂપે પ્રગટ થયેલા શ્રીહરિ પાસે ખેંચાઇ આવશો. તેમના પ્રત્યેના અતિશય સ્નેહથી તમે શાપથી મુકાશો અને દિવ્ય ગતિ પામશો.
આ રીતે શાપના નિમિત્તે મનુષ્ય દેહ ધારણ કરનારાઓમાં ભગવાન શ્રી નારાયણ તે જ સહજાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન, તેમનાં માતાપિતા મૂર્તિ ને ધર્મ તે જ માતા પ્રેમવતી ને પિતા હરિપ્રસાદ પાંડે અને ઉદ્ધવજી તે જ ગુરુ રામાનંદ સ્વામી.
⊍ જય સ્વામિનારાયણ ⊍
No comments:
Post a Comment