મહાનુભાવોની કલમે *"પ્રમુખસ્વામી મહારાજ"*
---------------------------------------------------
પૂજ્ય દલાઈ લામા (બૌદ્ધ ધર્મગુરુ)
*સત્તા અને સંપત્તિ માટેની ન સંતોષાય એવી ઝંખનાથી પ્રેરાયેલું જગત, આજકાલ વધારે ને વધારે ભૌતિકવાદી બનતું ચાલ્યું છે. માનવ-મનની અંદર કોઈક પ્રકારનો ખાલીપો છે. આવા સંજોગોમાં આ યુગમાં ધાર્મિક પ્રણાલિકાઓ ખૂબ અનિવાર્ય છે. આપણા મહાન સંતોએ પોતાનાં ઉદાહરણ દ્વારા સંતોષ, સહિષ્ણુતા અને નિઃસ્વાર્થ સેવાની પ્રેરણા આપી છે. આજના યુગમાં તેનું ઉદાહરણ છે : પ્રમુખસ્વામી મહારાજ.*
---------------------------------------------------
પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી
(દિવ્ય જીવન સંઘ, હૃષીકેશ)
*પ્રમુખસ્વામી મહારાજમાં મેં હંમેશાં અતિશય સાદાઈ, આચરણની વિનમ્રતા અને અહંશૂન્યતાનાં દર્શન કર્યાં છે. તેમના ખભા પર કેટકેટલી જવાબદારીઓ છે! એમ છતાં તેઓ કેટલા હળવાફૂલ લાગે છે?! કારણ કે સર્વોપરિ શ્રી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય શરણાગતિ ધરાવે છે અને ભગવાનની દિવ્ય કૃપાથી મળેલી સેવામાં નિષ્ઠાપૂર્વક પોતાને માત્ર ‘નિમિત્તરૂપ’ જ ગણે છે.*
---------------------------------------------------
પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજી
(ચિન્મય મિશન)
*આધ્યાત્મિક પ્રગતિ તો જેની પાસે ભગવાન હોય એવા મહાપુરુષના સંબંધથી જ સાધી શકાય ! પ્રમુખસ્વામી મહારાજ એવા મહાપુરુષ છે. તેમનો પ્રસંગ થાય તો જગત તરફથી વૃત્તિઓ પાછી વળી જાય.*
---------------------------------------------------
પૂજ્ય રામસ્વરૂપ શાસ્ત્રી
(પૂર્વ અધ્યક્ષ : અખિલ ભારત સાધુ સમાજ)
*‘વિશ્વવંદ્ય પ્રમુખસ્વામીની રહેણી, કરણી અને ઉપદેશમાં પવિત્ર આદર્શ દેખાડતી ત્રિવેણીની યાદ અપાવે છે. પ્રમુખસ્વામીના સંપર્કમાં જે આવે છે તેમને સ્વામીજીમાં કર્તવ્યપરાયણ સ્વરૂપનાં દર્શન થાય છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે જાગરુક આવા મહાપુરુષની કર્તવ્યનિષ્ઠા પ્રત્યે શ્રદ્ધાથી નતમસ્તક થવાય છે.’*
---------------------------------------------------
પૂજ્ય સ્વામી વિબુધેશતીર્થજી મહારાજ
(મધ્વાચાર્ય, અડમાર મઠ, ઉડુપી)
*‘જ્યારે હું પ્રમુખસ્વામી મહારાજને મળ્યો ત્યારે એક આધ્યાત્મિક રીતે પરિપક્વ આત્માને મળતો હોઉં તેવી લાગણી થઈ. તેઓ આધ્યાત્મિક પ્રેમ, વિનમ્રતા અને સાદાઈનું મૂર્તસ્વરૂપ છે, તેઓ સૌને ચાહે છે. તેથી તો તેમના પર સૌના પ્રેમની વર્ષા થાય છે અને તે પણ અનરાધાર !’*
---------------------------------------------------
પૂજ્ય વરદ યતિરાજ જિઅર સ્વામી
(રામાનુજ સંપ્રદાયના વડા, શ્રી પેરુમ્બુદુર)
*‘પ્રમુખસ્વામી મહારાજ આપણા દેશના અદ્વિતીય આધ્યાત્મિક મુકુટમણિ છે. આધ્યાત્મિક જીવન સામાન્યતઃ અંતર્મુખી હોય છે, ભગવાનના સાક્ષાત્કાર સાથે સંકળાયેલું હોય છે. પરંતુ તેમ છતાં જનસેવા અવરોધાતી નથી. પ્રમુખસ્વામી મહારાજ આ વાતનું સચોટ દૃષ્ટાંત છે. આવી અલૌકિક વ્યક્તિ એમ સહેલાઈથી મળતી નથી. તે સર્વત્ર પ્રગટતી નથી. જ્યારે જ્યારે આવા સંતનું પ્રાગટ્ય થાય છે ત્યારે સમગ્ર માનવજાત ઉત્કર્ષને પામે છે.’*
---------------------------------------------------
પૂજ્ય ચિન્ના જિઅર સ્વામી
(રામાનુજાચાર્ય)
*‘પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આજે સમગ્ર સંસારનો ઉદ્ધાર થઈ રહ્યો છે. તેમણે લોકોના મનમાં રહેલા જંગલને તોડીને એક સંસ્કારમય મંગલનું નિર્માણ કર્યું છે. તેઓ ફકત ભગવાનની સેવા માટે સમર્પિત છે, કીર્તિ, કાન્તા અને કનકથી સદા મુક્ત છે. તેમના આદેશે યુવાનો જીવન સમર્પિત કરે છે, તે એક મોટો પ્રતાપ છે.’*
---------------------------------------------------
પૂજ્ય સ્વામી નિખિલાનંદજી
(ચિન્મય મિશન)
*‘પ્રમુખસ્વામી મહારાજને મળતાં અસાધારણ અનુભવ થયો. સાક્ષાત્ ભગવાનને મળતા હો એવું લાગે. સહુથી નમ્ર. સહુથી મૃદુ. મારી કલ્પનામાં એ જ નથી બેસતું કે આટલી સાદી શક્તિમાંથી આટલું ભવ્ય કાર્ય કઈ રીતે ફલિત થયું હશે. ખરેખર તો મારે કલ્પના કરવી જ ન જોઈએ, કારણ કે સંપૂર્ણ સાદગીમાંથી આવાં અદ્ભુત કાર્યો થાય જ. જેમ મૌનમાંથી સંગીત આવે છે, એમ સાદગીમાંથી અજાયબી સર્જાય છે. મને પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ સ્પર્શી ગયા છે !’*
---------------------------------------------------
પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીજી
(આર્યવિદ્યા ગુરુકુલમ્, ચેન્નાઈ)
*‘પ્રમુખસ્વામી મહારાજ એક મહાન પ્રેરણામૂર્તિ છે. પોતે શાંત રહી હજારોને ક્રિયાન્વિત કરી શકે છે, તેમનામાંથી આબાલવૃદ્ધ અનેક લોકો સદ્પ્રેરણા પામે છે.’*
---------------------------------------------------
પૂજ્ય સ્વામી વિશ્વેશતીર્થજી મહારાજ
(મધ્વાચાર્ય, પેજાવર મઠ)
*‘અધ્યાત્મ-જાગૃતિનું કાર્ય કરતા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ કાર્ય કરી રહ્યા છે. આપણું અધ્યાત્મ, આપણી સંસ્કૃતિ, આપણી ભક્તિ, આપણું જ્ઞાન વગેરે ફક્ત શાસ્ત્રોમાં બંધાયેલાં હતાં. શાસ્ત્રોની એ જટામાંથી સંસ્કૃતિની ગંગાને પ્રમુખસ્વામી મહારાજે પ્રવાહિત કરી છે. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ગંગાને પ્રવાહિત કરનારા તેઓ અભિનવ ભગીરથ છે.’*
---------------------------------------------------
પૂજ્ય સ્વામી આત્માનંદજી
(અધ્યક્ષ, રામકૃષ્ણ મિશન, રાયપુર)
*‘ઓહ! કેવા વિનમ્ર પુરુષ! આપણા દેશના કેટલાક અતિ વિરલ આત્માઓમાંના એક પ્રમુખસ્વામી મહારાજ છે. મારી જિંદગીમાં મને મળેલા સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના તેઓ એક છે. તેઓ ખૂબ જ શાંત છતાં અસંખ્ય વ્યક્તિઓને સક્રિય બનાવે છે.’*
---------------------------------------------------
સદ્ગુરુ સ્વામી શિવાય સુબ્રહ્મણ્યમ્
(હિમાલય એકડમી, હવાઈ ટાપુ, અમેરિકા)
*પ્રમુખસ્વામી મહારાજ બોલે છે ત્યારે તેઓ નથી બોલતા, પરંતુ ભગવાન બોલે છે. તેઓ સૌને આશ્ચર્યકારક રીતે આધ્યાત્મિક પ્રગતિ કરાવી રહ્યા છે. શાસ્ત્રો પ્રમાણે કહીએ તો તેમનું પૂજન તે ભગવાનનું પૂજન છે. પ્રમુખસ્વામી મહારાજ એક ખરેખર આધ્યત્મિક મહારાજા છે. જેમના લીધે હિન્દુ ધર્મનું ગૌરવ વધ્યું છે.*
---------------------------------------------------
પૂજ્ય સ્વામી બોધીનાથ વેલયન
(હિમાલય એકેડમી, હવાઈ ટાપુ, અમેરિકા)
*‘પ્રમુખસ્વામી મહારાજ ગુરુનું એક ઉદાત્ત ઉદાહરણ છે. ભક્તોની આધ્યાત્મિક પ્રગતિ માટે તેઓ અતિ સુલભ થાય છે. તેઓ જ્યારે આશીર્વાદ આપતા હોય છે ત્યારે અદ્ધર તાલ નથી આપતા. તેમના શિષ્યોના જીવનમાં ઊંડો રસ લે છે, તેમના બાપ-દાદાનાં પણ નામ તેમને યાદ હોય છે! મુમુક્ષુઓના પત્રના જવાબ સંતોષપૂર્વક આપે છે. શિષ્યો અને તેમની વચ્ચે ગાઢ વ્યક્તિગત સંબંધ છે.’*
---------------------------------------------------
પૂજ્ય મહંત અવૈદ્યનાથ
(ગોરક્ષ પીઠાધીશ્વર, ગોરખપુર, ઉત્તરપ્રદેશ)
*‘પ્રમુખસ્વામી મહારાજ ફક્ત વિનયશીલતાની જ નહીં, સાથે ધર્મ અને સંસ્કૃતિનું મૂર્તિમાન સ્વરૂપ છે. તેમને મળનારી દરેક વ્યક્તિ તેમની વિનયશીલતાથી પ્રભાવિત થયા વિના ન રહી શકે.’*
---------------------------------------------------
શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી
(ભાગવત વિદ્યાપીઠ, સોલા)
*‘પ્રમુખસ્વામીનાં જીવન અને કાર્યો જોયા પછી લાગશે કે વ્યક્તિ-વ્યક્તિમાં વસેલી આસક્તિને ભક્તિમાં ફેરવવા માટેની સતત અનુકંપા અને ક્રિયા તેમનામાં છે. હું તો એમની પાસે વારંવાર આવ્યા જ કરું છું. કારણ કે માન મળ્યા પછી એ અભિમાન તેમને નથી. એ ક્યારે બને? ભગવાન મળ્યા હોય ત્યારે. પ્રમુખસ્વામીજી ભગવાનનું રહેઠાણ છે. તેઓ જ્યારે બોલતા હોય છે ત્યારે મને લાગે છે કે મેલાં કપડાંને ધોવા માટે પાણીની જરૂર છે, તેમ મેલાં કાળજાંને ધોવા માટે એમની વાણીની જરૂર છે.’*
---------------------------------------------------
પૂજ્ય જૈનાચાર્ય મુનિ સુશીલકુમારજી
(વર્લ્ડ ફેલોશીપ ઓફ રિલિજિયન)
*‘બુદ્ધ અને તીર્થંકર, રામ અને કૃષ્ણ, કબીર અને નાનક વગેરે સંતોએ અને અવતારોએ ભારતને સંવર્ધિત કર્યું છે. હવે કોઈ આવે એની રાહ જોઈએ છીએ કે જે ભારતીય સંસ્કૃતિને દોરે. ભગવાનની કૃપાથી એવા પુરુષ મળ્યા છે. એમનું નામ છે – પ્રમુખસ્વામી. ભારતને એક કરવું હોય તો તે પ્રમુખસ્વામીના નેતૃત્વ હેઠળ એક બની શકશે. પ્રમુખસ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ નથી, હિન્દુ ધર્મના પ્રમુખ છે. હિન્દુ ધર્મના નહીં પણ ભારતીય સમાજના પ્રમુખ છે.’*
---------------------------------------------------
પૂજ્ય જૈનાચાર્ય મુનિ પુષ્કરરાજજી
*‘પ્રમુખસ્વામી કયા દેવને માને છે અને તેઓનો કયો સિદ્ધાંત છે એવી બાબતમાં ન જતાં હું એમના આચરણ સામે જોઉં છું. જો કોઈ એક દિવસ પણ બ્રહ્મચર્યનું પાલન કરે તો તેના ઘરે દેવતાઓ પણ શીશ નમાવવા આવે, તો પ્રમુખસ્વામીએ આખું જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. બ્રહ્મચારીઓમાં જો હું પ્રમુખસ્વામીને પ્રથમ સ્થાન આપું તો તેમાં જરાય અતિશયોક્તિ નથી.’*
---------------------------------------------------
આચાર્ય મહાપ્રજ્ઞજી
(જૈનાચાર્ય, તેરાપંથ)
*પ્રમુખસ્વામી મહારાજમાં મેં જે એક મૈત્રીનો ભાવ જોયો તે જોઈ મને લાગ્યું કે, આવું વાતાવરણ આખા દેશમાં ફેલાઈ જાય તો બધી જ સાંપ્રદાયિક સમસ્યાઓનું મોટું સમાધાન થઈ શકે. તેમણે ખરેખર ત્યાગ કર્યો છે, તપશ્ચર્યા કરી છે.*
---------------------------------------------------
ડૉ. રોવન વિલિયમ્સ
(આર્કબિશપ ઓફ કેન્ટરબરી, ઇંગ્લૅન્ડ)
*પ્રમુખસ્વામી મહારાજના જીવન અને બોધમાં મને ભક્તિપૂર્ણ સૌંદર્ય નીરખવા મળ્યું છે. ભારત અને વિશ્વભરમાં સુસંગતતા પ્રસરાવવા માટેના તેમના અવિરત કાર્યમાં મને તે સૌંદર્ય દેખાય છે. સૌને આવકારીને, બદલો લેવાની ભાવનાનો ઇન્કાર કર્યો છે તે જ તેમનું આત્મિક સૌંદર્ય છે. આ જ સૌંદર્યના અંગરૂપે પ્રમુખસ્વામી મહારાજના સંદેશામાં ફરી વાર વ્યક્ત થયું છે, બીજાના ભલામાં આપણું ભલું છે અને બીજાની શાંતિમાં આપણી શાંતિ છે.*
---------------------------------------------------
પ્રિન્સ ચાર્લ્સ
(બ્રિટિશ રાજવી, યુ.કે.)
*પ્રમુખસ્વામી મહારાજની વિનમ્રતા અને જીવપ્રાણીમાત્ર પ્રત્યેની સહાનુભૂતિ મને હૃદયમાં સ્પર્શી ગઈ છે.*
---------------------------------------------------
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
(પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક, ભારત)
*મારા પરના પ્રમુખસ્વામીજીના પ્રભાવનો સરવાળો હું કેવી રીતે માંડી શકું ? સાચા અર્થમાં એમણે મારું પરિવર્તન કરી નાખ્યું છે. તેઓ મારા જીવનના આધ્યાત્મિક આરોહણની સૌથી ઊંચી અને અંતિમ મંઝિલ છે, જે આરોહણ મારા પિતાથી શરૂ થયું હતું, જેને ડૉ. બ્રહ્મપ્રકાશ અને પ્રૅ. સતીષ ધવને પોષ્યું હતું; અને હવે, આખરે, પ્રમુખસ્વામીજીએ ભગવાનની લગોલગના પથ પર મને મૂકી દીધો છે.*
---------------------------------------------------
શ્રી નરેન્દ્રભાઈ મોદી
(પ્રધાનમંત્રીશ્રી, ભારત)
*‘હું મારી જાતને ધન્ય માનું છું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથે ખૂબ નિકટથી વાર્તાલાપ કરવાનો મને વર્ષો સુધી લાભ મળ્યો છે. તેઓએ મને ખૂબ ઊંડાણથી પ્રેરિત કર્યો છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મારા પ્રણામ પાઠવું છું. તેઓએ પોતાનું સમગ્ર જીવન શાંતિ, સંવાદિતા અને સમાજની સેવા માટે સમર્પિત કર્યું છે.’*
---------------------------------------------------
શ્રી જ્ઞાની ઝૈલસિંહ
(પૂર્વ રાષ્ટ્રપતિશ્રી, ભારત)
*આપ ભારતીય સંસ્કૃતિની રખેવાળી કરી રહ્યા છો. મેં ઘણું સાંભળ્યું હતું, વાંચ્યું પણ હતું, પરંતુ પ્રત્યક્ષ જોવાથી પ્રભાવ પડ્યો. હું પોતે માનું છું કે આપ સમાજ સુધારણા માટે, આધ્યાત્મિક જાગૃતિ માટે પ્રયત્નો અને ઉપાયો કરી રહ્યા છો. અને થોડા જ વખતમાં હું જે જોઈ શક્યો છું કે ખૂબ બુદ્ધિશાળી ઇજનેરો, સાયન્ટિસ્ટો, ટેક્નોલોજિસ્ટો તેમજ અન્ય તત્ત્વચિંતકો પણ આપની પાસે છે, અને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આધ્યાત્મિક શક્તિ વગર આ કોઈને કોઈ ખેંચી શકતું નથી.*
---------------------------------------------------
શ્રી બિલ ક્લિન્ટન
(પૂર્વ રાષ્ટ્રપ્રમુખ, યુ.એસ.એ.)
*‘પહેલી વાર પ્રમુખસ્વામી મને માયામીમાં મળ્યા ત્યારે એમની આંખોમાં મેં જોયું કે એ બીજાને ઝાંખા પાડીને આગળ નથી આવ્યા. બીજાને આગળ કરીને આગળ આવ્યા છે. પોતાની માન્યતા સિદ્ધ કરવા લોકોએ બીજાનું અને તેમની માન્યતાનું ખંડન કરવું પડતું હોય છે, પરંતુ સ્વામીશ્રી એક એવી વ્યક્તિ મેં જોઈ છે કે જેઓ આનાથી પર છે. અને હું માનું છું કે આજે વિશ્વમાં એકતાની આવી વિશાળ ભાવના હોવી એ વિશ્વનો મોટો પડકાર છે.’*
---------------------------------------------------
શ્રી ટોની બ્લેર
(પૂર્વ વડાપ્રધાન, યુ.કે.)
*હું દસ વર્ષ પહેલાં અહીં આવ્યો હતો ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. જેનાથી હું ત્યારે પણ પ્રભાવિત થયો હતો અને આજે પણ ખૂબ પ્રભાવિત છું, તેનું કારણ એ છે કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેની આધ્યાત્મિક અનુભૂતિ. સ્વામિનારાયણ ભગવાનની સર્વ ઉત્કર્ષની ભાવના અને સ્પિરિટ હું પ્રમુખસ્વામીજીમાં જીવંતપણે જોઈ રહ્યો છું.*
---------------------------------------------------
જસ્ટિસ શ્રી વાય. કે. સબરવાલ
(ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટ)
*આપે સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણાધામ બનાવી દીધું છે. આપણા પ્રાચીન ઇતિહાસને નિહાળીને મારી અંદર ગૌરવની લાગણી જાગી ઊઠી. સ્વામીજી, આવનારી નવી પેઢી આપને યાદ કરશે, આપને સમસ્ત માનવજાત યાદ રાખશે. આપે અહીં અક્ષરધામનું નિર્માણ ન કર્યું હોત તો સમગ્ર સંસ્કૃતિનું ગૌરવ ચાલ્યું જાત.*
---------------------------------------------------
શ્રી લાલકૃષ્ણ અડવાણીજી
(પૂર્વ નાયબ વડાપ્રધાનશ્રી)
*પ્રાચીનકાળથી જ દેશની મહત્તા સંતો-સાધુઓ- સત્પુરુષોને કારણે રહી છે. આજે ભારતમાં જે સંતો છે, તેમાં પ્રમુખસ્વામી મહારાજનું નામ અને તેમનું કાર્ય ઉચ્ચ કક્ષાનું છે એમાં કોઈ સંદેહ નથી. આ બાબત માત્ર ભારત પૂરતી જ નહીં, સમગ્ર વિશ્વભરમાં જાણીતી છે. તેઓ ભારતની સાત્ત્વિકતાનું, નૈતિકતાનું મૂર્તિમાન સ્વરૂપ છે.*
---------------------------------------------------
!! જય સ્વામિનારાયણ !!
No comments:
Post a Comment