-------------------------------------------------
*(લીલાચિંતામણિ-સવભાવિક ચેષ્ટા)*
*પદ - (૧)*
પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું;
નૌતમલીલા રે, નારાયણની ગાવું. (૧)
મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને;
જેને કાજે રે, સેવે જાઇ વનને. (૨)
આસન સાધી રે , ધ્યાન ધરીને ધારે;
જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે. (૩)
સહજ સ્વભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની;
સુણતાં સજની રે, બીક મટાડે જમની. (૪)
ગાવું હેતે રે, હરિના ચરિત્ર સંભારી;
પાવન કરજ્યો રે, પ્રભુજી બુદ્ધિ મારી. (૫)
સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે;
તુલસીની માળા રે, કર લઇ ફેરવે ત્યારે. (૬)
રમૂજ કરતા રે, રાજીવનેણ રૂપાળા;
કોઇ હરિજનનિ રે, માગી લઇને માળા. (૭)
બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે;
ફેરવે તાણી રે, કંઇક માળા તોડે. (૮)
વાતું કરે રે, રમૂજ કરીને હસતા;
ભેળી કરી રે, માળા કરમા ઘસતા. (૯)
ક્યારેક મીંચી રે, નેત્રકમળને સ્વામી;
પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી.(૧૦)
*પદ - (૨)*
સાંભળ સૈયર રે, લીલા નટનાગરની;
સુણતાં સુખડું રે, આપે સુખસાગરની. (૧)
નેત્રકમળને રે, રાખી ઉઘાડાં ક્યારે;
ધ્યાન ધરીને રે, બેસે જીવન બા'રે. (૨)
ક્યારેક ચમકી રે, ધ્યાન કરંતા જાગે;
જોતા જીવન રે, જન્મમરણ દુઃખ ભાગે. (૩)
પોતા આગળ રે, સભા ભરાઇ બેસે;
સંત હરિજન રે, સામું જોઇ રહે છે.(૪)
ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે;
સંત હરિજન રે, તૃપ્ત ન થાયે જોતે. (૫)
સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજાં;
તેમને જોઇ રે, મગન થાય મહારાજા. (૬)
તેમની ભેળા રે, ચપટી વજાડી ગાયે;
સંત હરિજન રે, નીરખી રાજી થાયે.(૭)
ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી;
ભેળા ગાયે રે, તાળી દઇ વનમાળી.(૮)
આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે;
પોતા આગળ રે, કથા વંચાય ત્યારે. (૯)
પોતે વારતા રે, કરતા હોય બહુનામિ;
ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામિ.(૧૦)
*પદ - (૩)*
મનુષ્ય લીલા રે, કરતા મંગળકારી;
ભક્તસભામાં રે, બેઠા ભવભયહારી. (૧)
જેને જોતાં રે, જાયે જગ આસક્તિ;
જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ.(૨)
તે સંબંધી રે, વાર્તા કરતા ભારી;
હરિ સમજાવે રે, નિજ જનને સુખ કારી. (૩)
યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત;
એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત.(૪)
જ્યારે હરિજન રે, દેશ દેશના આવે;
ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે. (૫)
જાણી પોતાના રે, સેવક જન અવિનાશી;
તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાસી. (૬)
ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ;
ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ. (૭)
ધ્યાન માંથી રે, ઉઠાડે નિજ જનને;
દેહમા લાવે રે, પ્રાણ ઇન્દ્રિય મનને. (૮)
સંત સભામાં રે, બેઠા હોય અવિનાશ;
કોઇ હરિજનને રે, તેડવો હોય પાસ. (૯)
પહેલી આંગળી રે, નેત્રતણી કરી સાન;
પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન.(૧૦)
*પદ - (૪)*
મોહન જીની રે, લીલા અતિ સુખકારી;
આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી. (૧)
ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે;
ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે.(૨)
શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી;
તેને રાખે રે, આખ્યો ઉપર દાબી.(૩)
કયારેક પોતે રે, રાજીપામાં હોયે;
વાતો કરે રે, કથા વંચાવે તોયે. (૪)
સાંભળે કીર્તન રે, પોતે કાંઇક વિચારે;
પૂછવા આવે રે, જમવાનું કોઇ ત્યારે. (૫)
હાર ચઢાવે રે, પૂજા કરવા આવે;
તેના ઉપર રે, બહુ ખીજી રિસાવે. (૬)
કથા સાંભળતા રે, 'હરે હરે' કહી બોલે;
મર્મ કથાનો રે, સુણી મગન થઇ ડોલે. (૭)
ભાન કથામાં રે, બીજી ક્રિયા માયે;
ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાયે. (૮)
થાયે સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની;
થોડુંક હસે રે, ભક્ત સામું જોઇ બેની. (૯)
એમ હરિ નિત નિત રે, આનંદરસ વરસાવે;
એ લીલારસ ર, જોઇ પ્રેમાનંદ ગાવે. (૧૦)
*પદ(૫)*
સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મુરારી;
કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી. (૧)
થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા;
રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા (૨)
કયારેક ઢોલિયે રે, બેસે શ્રી ઘનશ્યામ,
ક્યારેક બેસે ર, ચાકળે પૂરણ કામ. (૩)
ક્યારેક ગોદડું રે, ઓછાડે સહિત;
પાથર્યુ હોયે રે, તે પર બેસે પ્રીતે. (૪)
ક્યારેક ઢોલિયા રે, ઉપર તકીયો ભાળી;
તે પર બેસે રે, શ્યામ પલાઠી વાળી. (૫)
ઘણુંક બેસે રે, તકિયે ઓઠીંગણ દઇને;
ક્યારેક ગોઠણ ર, બાંધે ખેસ લઇને. (૬)
ક્યારેક રાજી રે, થાયે અતિશે આલી;
સંત હરિજન રે, ભેટે બાથમાં ઘાલી. (૭)
કયારેક માથે રે, લઇ મેલે બે હાથ;
છાતી માંહે રે, ચરણકમળ દે નાથ. (૮)
ક્યારેક આપે રે, હાર તોરા ગીરધારી;
કયારેક આપે રે, અંગનાં વસ્ત્ર ઉતારી. (૯)
ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ;
પ્રેમાનંદ કહે રે, ભક્તતણા પ્રતિપાળ. (૧૦)
*પદ - (૬)*
એવાં કરે રે, ચરિત્ર પાવનકારી;
શુકજી સરખા રે, ગાવે નિત સંભારી (૧)
ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે;
ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે. (૨)
છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઇને;
છીંક ખાયે રે, મુખ પર આડો દઇને. (૩)
રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ;
મુખ પર આડો રે, રૂમાલ દઇ સુખધામ. (૪)
ક્યારેક વાતું રે, કરતા થકા દેવ;
છેડે રૂમાલને રે, વળ દીધાની ટેવ. (૫)
અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;
પરદુઃખહારી રે, વારી બહુનામીનો. (૬)
કોઇને દુખિયો રે, દેખી ન ખમાયે;
દયા આણી રે, અતિ આકળા થાયે. (૭)
અન્ન ધન વસ્ત્ર રે, આપિને દુઃખ ટાળે; કરુણા દૃષ્ટિ રે, દેખી વાન જ વાળે. (૮)
ડાબે ખભે રે, ખેસ આડસોડે નાખી;
ચાલે જમણા રે, કરમા રૂમાલ રાખી. (૯)
કયારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી;
ચાલે વહાલો રે, પ્રેમાનંદનો હેલી. (૧૦)
*પદ - (૭)*
નિત નિત નૌતમ રે, લીલા કરે હરિરાય;
ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય. (૧)
સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે;
હેત કરીને રે, બોલાવે બહુ વહાલે. (૨)
ક્યારેક ઘોડલે રે, ચડવું હોય ત્યારે;
ક્યારેક સંતને રે, પીરસવા પધારે. (૩)
ત્યારે ડાબે રે, ખભે ખેસને આણી;
ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી. (૪)
પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ;
જણસ જમ્યાની રે, લઇ લઇ તેનાં નામ. (૫)
ફરે પંગતમાં રે, વરંવાર મહારાજ;
સંત હરિજનને રે, પીરવાને કાજ. (૬)
શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં;
કોઇના મુખમાં રે, આપે લાડુ હસતાં. (૭)
પાછલી રાત્રી રે, ચાર ઘડી રહે ત્યારે;
દાતણ કરવા રે, ઊઠે હરિ તે વારે. (૮)
ન્હાવા બેસે રે, નાથ પલાંઠી વાળી;
કર લઇ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી. (૯)
કોરે વસ્ત્રે રે, કરી શરીરને લૂવે;
પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુવે. (૧૦)
*પદ - (૮)*
રૂડા શોભે રે, નહીને ઊભા હોયે;
વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે. (૧)
પગ સાથળને રે, લુહીને સારંગપાણી;
કોરા ખેસને રે, પહેરે સારી પેઠે તાણી. (૨)
ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વાલે;
આવે જમવા રે, ચાખડિયે ચઢી ચાલે. (૩)
માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા;
કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા. (૪)
જમતાં ડાબા રે, પગની પલાંઠી વાળી;
તે પર ડાબો રે, કર મેલે વનમાળી. (૫)
જમણા પગને રે, રાખી ઊભો શ્યામ;
તે પર જમણો રે, કર મેલે સુખધામ. (૬)
રૂડી રીતે રે, જમે દેવના દેવ;
વારે વારે રે, પાણી પીધાની ટેવ. (૭)
જણસ સ્વાદુ રે, જણસ જમતાં જમતાં;
પાસે હરિજન રે, બેઠા હોય મનગમતા. (૮)
તેમને આપી રે, પછી પોતે જમે;
જમતાં જીવન રે, હરિજનને મન ગમે. (૯)
ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ;
ઓડકાર ખાયે રે, પ્રેમાનંદના નાથ. (૧૦)
*પદ - (૯)*
ચળુ કરે રે, મોહન તૃપ્ત થઇને;
દાંતને ખોતરે રે, સળી રૂપાની લઇને. (૧)
મુખવાસ લઇને રે, ઢોલિયે બિરાજે;
પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે. (૨)
પાંપણ ઉપર રે, આંટો લઇ અલબેલો;
ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો. (૩)
વર્ષા ૠતુને રે, શરદ ૠતુને જાણી;
ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી. (૪)
સંત હરિજન રે, સાથે લઇ ઘનશ્યામ;
ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ. (૫)
બહુ જળક્રીડા રે, કરતાં જળમાં ન્હાય;
જળમાં તાળી રે, દઇને કીર્તન ગાય. (૬)
ન્હાઇને બા'રે રે, નીસરી વસ્ત્ર પહેરી;
ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી. (૭)
પાવન જશને રે, હરિજન ગાતા આવે;
જીવન જોઇને રે, આનંદ ઉર ન સમાવે. (૮)
ગઢપુરવાસી રે, જોઇને જગ આધાર;
સુફળ કરે છે રે, નેણાં વારમવાર. (૯)
આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી;
ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી. (૧૦)
*પદ - (૧૦)*
નિજ સેવકને રે, સુખ દેવાને કાજ;
પોતે પ્રગટ્યા રે, પૂરુષોત્તમ મહારાજ. (૧)
ફળીયામાંહી રે, સભા કરી વિરાજે;
પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે. (૨)
બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજનને;
પોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્નને. (૩)
બે આંગળીયું રે, તિલક કર્યાની પેરે;
ભાલ વચ્ચે રે, ઊભી રાખી ફેરે(૪)
સૂતાં સૂતાં રે, માળા મગી લઇને;
જમણે હાથે રે, નિત ફેરવે ચિત્ત દઇને. (૫)
ભૂલ ન પડે રે, કેદી એવું નેમ;
ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ. (૬)
ભર નિદ્રામાં રે, પોઢ્યા હોય મુનિરાય;
કોઇ અજાણે રે, લગાર અડી જાય. (૭)
ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ;
' કોણ છે ?' પૂછે રે, સેવકને સુખધામ. (૮)
એવી લીલા રે, હરિની અનંત અપાર;
મેં તો ગાઇ રે, કાંઇક મતિ અનુસાર. (૯)
જે કોઇ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે;
પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે. (૧૦)
*રાગ : ગરબી*
ઓરાઆવો શ્યામ સ્નેહી,
સુંદરવર જોઉં વ્હાલા;
જતન કરીને જીવન મારા,
જીવમાંહી પ્રોઉં વ્હાલા. (૧)
ચિહૂન અનુપમ અંગોઅંગનાં,
સૂરતે સંભારું વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારા,
ઉરમાં ઉતારું વ્હાલા. (૨)
અરુણ કમળસમ જુગલ ચરણની,
શોભા અતિ સારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ,
મન વૃત્તિ મારી વ્હાલા. (૩)
પ્રથમ તે ચિંતવન કરું,
સુંદર સોળે ચિહૂન વ્હાલા;
ઊર્ધ્વરેખા ઓપી રહી,
અતિશે નવિન વ્હાલા. (૪)
અંગુઠા આંગળી વચ્ચેથી,
નિસરીને આવી વ્હાલા;
પાનીની બે કોરે જોતા,
ભક્તને મન ભાવી વ્હાલા. (૫)
જુગલ ચરણમાં કહું મનોહર,
ચિહૂન તેનાં નામ વ્હાલા;
શુદ્ધ મને કરી સંભારતા,
નાશ પામે કામ વ્હાલા(૬)
અષ્ટકોણ ને ઊર્ધ્વરેખા,
સ્વસ્તિક જંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ ને કેતુ ને પદ્મ,
જમણે પગે નવ વ્હાલા. (૭)
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર,
ધનુષ ને મીન વ્હાલા;
અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે,
ડાબે પગે ચિહૂન વ્હાલા. (૮)
જમણા પગના અંગૂઠાના,
નખમાંહી ચિહૂન વ્હાલા;
તે તો નીરખે જે કોઇ ભક્ત,
પ્રીતિએ પ્રવીણ વ્હાલા. (૯)
એજ અંગૂઠાને પાસે
તિલ એક નૌતમ ધારું વ્હાલા;
પ્રમાનંદ કહે નીરખુ પ્રીતે,
પ્રાણ લઇ વારું વ્હાલા. (૧)
*રાગ : ઘોદ પદ - (૧)*
હવે મારા લહાલાને નહિ વિસારું રે,
શ્વાસ ઉચ્છૂવાસે તે નિત્ય સંભારુ રે. (૧)
પડ્યું મારે સહજાનંદજીશું પાનું રે,
હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે. (૨)
આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે,
એ વર ન મળે ખરચે નાણું રે. (૩)
એ વર ભાગ્ય વિના નવ ભાવે રે,
એ સ્નેહ લગ્ન વિના નવ આવે રે. (૪)
દુરિજન મન રે માને તેમ કહેજ્યો રે,
સ્વામી મારા હ્રદયાની ભીતર રહેજ્યો રે. (૫)
હવે હું તો પૂરણ પદવી ને પામી રે,
મળ્યા મુને નિષ્કુળાનંદ સ્વામી રે. (૬)
*પદ - (૨)*
હવે મારા વહાલાનાં દર્શન સારુ,
હરિજન આવે હજારેહજારું રે. (૧)
ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી,
પૂરણ પુરુષોત્તમ અંતરજામી. (૨)
સભા મધ્યે બેઠાં મુનિનાં વૃંદ,
તેમાં શોભે તારે વીંટયો જેમ ચંદ્ર. (૩)
દુર્ગપુર ખેલ રચ્યો અતિ ભારી,
ભેળા રમે સાધુ અને બ્રહ્મચારી. (૪)
તાળી પડે ઊપડતી અતિ સારી,
ધૂન્ય થાય ચૌદ લોક થકી ન્યારી. (૫)
પાઘલડીમાં છોગલિયું અતિ શોભે,
જોઇ જોઇ હરિજનનાં મન લોભે. (૬)
પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશી,
સહજાનંદ અક્ષરધામના વાસી. (૭)
ભાંગી મારી જનમોજનમની ખામી,
મળ્યા મુને નિષ્કુળાનંદના૮ સ્વામી. (૮)......................
*(ધ્યાન કરવું)*
*સ્વામિનારાયણ ભગવાન પોઢો..*
*ગુણાતિતાંનંદ સ્વામી પોઢો..*
*ભગતજી મહારાજ પોઢો..*
*શાસ્ત્રીજી મહારાજ પોઢો..*
*યોગીજી મહારાજ પોઢો..*
*પ્રમુખસ્વામી મહારાજ પોઢો..*
*મહંતસ્વામી મહારાજ પોઢો..*
*રાગ : બિહાર*
પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ;
સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, [૨]
સંતન કે વિશ્રામ....ટેક 🔘
અક્ષર પર આનંદઘન પ્રભુ,
કિયો હૈ ભૂપર ઠામ;
જેહી મિલત જન તરત માયા, [૨]
લહત અક્ષરધામ.. (૧)
શારદ શેષ મહેશ મહામુનિ,
જપત જેહી ગુણનામ;
જાસ પદરજ શીશ ધરી ધરી,[૨]
હોત જન નિષ્કામ... (૨)
પ્રેમ કે પર્યક પર પ્રભુ,
કરત સુખ આરામ;
મુક્તાનંદ નિજ ચરણ ઢિગ ગુન,[૨]
ગાવત આઠું જામ...(૩)
*રાગ : ગરબી*
રે શ્યામ તમે સાચું નાણુ,
બીજું સર્વે દુઃખદાયક જાણુ...ટેક🔘
રે તમ વિના સુખ સંપત કહાવે,
તે તો સર્વે મહાદુઃખઉપજાવે;
અંતે એમાં કામ કોઇ નાવે... રે શ્યામ o (૧)
રે મૂરખ લોક મરે ભટકી,
જૂઠા સંગે હારે શિર પટકી;
તેથી મારી મનવૃત્તિ અટકી...રે શ્યામ o (૨)
રે અખંડ અલૌકિક સુખ સારુ,
રે જોઇ જોઇ મન મોહ્યું મારુ;
ધરા ધન તમ ઉપર વારું...રે શ્યામ o (૩)
રે બ્રહ્માથી કીટ લગી જોયું,
જૂઠું સુખ જાણીને વગોવ્યુ;
મુકતાનંદ મન તમ સં મોહ્યુ...રે શ્યામ o (૪)
*ધ્યાનચિંતા મણિ :*
*પદ : ૧*
વંદુ સહજાનંદ રસરૂપ,
અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ,
કરે ભવ પારને રે લોલ..
સમરું પ્રગટ રૂપ સુખધામ,
અનુપમ નામને રે લોલ;
જેને ભવ-બ્રહ્માદિક દેવ,
ભજે તજી કામને રે લોલ..
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર,
પર કોઇ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્ત્રમુખ ગાય,
નિગમ નેતિ કહે રે લોલ..
વર્ણવું સુંદર રૂપ અનુપ,
જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ,
રહો ઉરમાં રમી રે લોલ..
*પદ : (૨)*
આવો મારા મોહન મીઠડા લાલ,
કે જોઉં તારી મૂરતિ રે લોલ;
જતન કરી રાખું રસિયા રાજ,
વિસારું નહિ ઉરથી રે લોલ..
મન મારું મોહ્યું મોહન લાલ,
પાઘલડીની ભાતમાં રે લોલ;
આવો ઓરા છોગલાં ખોસું છેલ,
ખાંતિલા જોઉં ખાંતમાં રે લોલ..
વહાલા તારું ઝળકે સુંદર ભાલ,
તિલક રૂડાં કર્યા રે લોલ;
વહાલા તારા વામ કરણમાં તિલ,
તેણે મનડાં હર્યા રે લોલ..
વહાલા તારી ભ્રકુટિને બાણે શ્યામ,
કારજ મારાં કોરિયાં રે લોલ;
નેણે તારે પ્રેમસખીના નાથ,
કે ચિત્ત મારાં ચોરીયાં રે લોલ..
*પદ : (૩)*
વહાલા મુને વશ કીધી ઘનશ્યામ,
વા'લપ તારા વા'લમાં રે લોલ;
મન મારું તલખે જોવા કાજ'
ટીબકડી છે ગાલમાં રે લોલ..
વહાલા તારી નાસિકા નમણી નાથ,
અધરબિંબ લાલ છે રે લોલ;
છેલા મારા પ્રાણ કરું કુરબાન,
જોયા જેવી ચાલ છે રે લોલ..
વહાલા તારા દંત દાડમનાં બીજ,
ચતુરાય ચાવતા રે લોલ;
વહાલા મારા પ્રાણ હરો છો નાથ,
મીઠું મીઠું ગાવતા રે લોલ..
વહાલા તારે હસવે હરાણું ચિત્ત,
બીજું હવે નવ ગમે રે લોલ;
મન મારું પ્રેમસખીના નાથ,
કે તમ કેડે ભમે રે લોલ..
*પદ : (૪)*
રસિયા જોઇ રૂપાળી કોટ,
રુડી રેખાવળી રે લોલ;
વહાલા મારું મનડું મળવા ચ્હાય,
કે જાય ચિતડુ ચળી રે લોલ..
વહાલા તારી જમણી ભુજાને પાસ,
રૂડા તિલ ચાર છે રે લોલ;
વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક,
અનુપમ સાર છે રે લોલ..
વહાલા તારા ઉરમાં વિણગુણ હાર,
જોઇ નેણાં ઠરે રે લોલ;
વહાલા તે તો જાણે પ્રેમી જન,
જોઇ નિત્ય ધ્યાન ધરે રે લોલ..
રસિયા જોઇ તમારું રૂપ,
રસિક જન ઘેલડા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ,
સુંદરવર છેલડા રે લોલ..
*પદ : (૫)*
વહાલા તારી ભુજા જુગલ જગદીશ,
જોઇને જાઉં વારણે રે લોલ;
કરનાં લટકાં કરતા લાલ,
આવોને મારે બારણે રે લોલ..
વહાલા તારી આંગળીયુંની રેખા,
નખમણી જોઇને રે લોલ;
વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી,
કહું નહિ કોઇને રે લોલ...
વહાલા તારા ઉરમાં અનુપમ છાપ,
જોવાને જીવ આકળો રે લોલ;
વહાલા મારા હૈડે હરખ નમાય,
જાણું જે હમણાં મળો રે લોલ.
વહાલા તારું ઉદર અતિ રસરૂપ,
શીતળ સદા નાથજી રે લોલ;
આવો ઓરા પ્રેમસખીના પ્રાણ,
મળું ભરી બાથજી રે લોલ..
*પદ : (૬)*
વહાલા તારી મૂરતિ રસરૂપ,
રસિક જોઇને જીવે રે લોલ;
વહાલા એ રસના છખણહાર,
છાશ તે નવ પીવે રે લોલ..
વહાલા મારે સુખ સંપત તમે શ્યામ,
મોહન મન ભાવતા રે લોલ;
આવો મારે મંદિર જીવનપ્રાણ,
હસીને બોલાવતા રે લોલ..
વહાલા તારું રૂપ અનુપમ ગૌર,
મૂરતિ મનમાં ગમે રે લોલ;
વહાલા તારું જોબન જોવા કાજ,
કે ચિત્ત ચરણે નમે રે લોલ..
આવો મારા રસિયા રાજીવનેણ,
મરમ કરી બોલતા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના સેણ,
મંદિર મારે ડોલતા રે લોલ..
*પદ : (૭)*
વ્હાલા તારું રૂપ અનુપમ નાથ,
ઉદર શોભા ઘણી રે લોલ;
ત્રિવળી જોઉં સુંદર છેલ,
આવોને ઓરાઅમ ભણી રે લોલ..
વ્હાલા તારી નાભિ નૌતમ રૂપ,
ઊંડી અતિ ગોળ છે રે લોલ;
કટિલંક જોઇને સહજાનંદ કે,
મન રંગચોળ છે રે લોલ..
વહાલા તારી જંઘા જુગલની શોભા,
મનમાં ઝોઇ રહું રે લોલ;
વહાલા નિત નિરખું પિંડી નૈ પાની,
કોઇને નવ કહું રે લોલ..
વહાલા તારાં ચરણકમળનું ધ્યાન,
ધરું અતિ હેતમાં રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ,
રાખું મારા ચિત્તમાં રે લોલ..
*પદ : (૮)*
વહાલા તારાં જુગલ ચરણ રસરૂપ,
વખાણું વહાલમાં રે લોલ;
વહાલા અતિ કોમળ અરુણ રસાળ,
ચોરે ચિત્ત ચાલમાં રે લોલ..
વહાલા તારે જમણે અંગુઠે તિલ,
કે નખમાં ચિહૂન છે રે લોલ;
વહાલા છેલી આંગળીએ તિલ એક,
જોવાને મન દીન છે રે લોલ..
વહાલા તારા નખની અરુણતા જોઇને,
શશીકળા ક્ષીણ છે રે લોલ;
વહાલા રસચોર ચકોર જે ભકત,
જોવાને પ્રવીણ છે રે લોલ..
વહાલા તારી ઊધ્વરેખામાં ચિત્ત,
રહો કરી વાસને રે લોલ;
માગે પ્રેમસખી કર જોડી,
દેજો દાન દાસને રે લોલ.
માગે પ્રેમસખી કર જોડી,
દેજો દાન દાસને રે લોલ..
*સ્વામિનારાયણ ભગવાનની જય,*
*અક્ષરપુરુષોત્તમ મહારાજની જય,*
*ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય,*
*ભગતજી મહારાજની જય,*
*શાસ્ત્રીજી મહારાજની જય,*
*યોગીજી મહારાજની જય,*
*પ્રમુખસ્વામી મહારાજની જય,*
*મહંતસ્વામી મહારાજની જય..*
🌹 *જય સ્વામિનારાયણ* 🌹
No comments:
Post a Comment