મહંતસ્વામી મહારાજનો પ્રસંગ, 16-04-2017, અમદાવાદ
૨-૨૦ વાગે ભોજનકક્ષમાં ભોજન લેવા માટે બિરાજ્યા. જે દરમ્યાન સ્વામીશ્રીના આશીર્વાદથી ભૂત નીકળી ગયાં હોય તેવી વાતો ચાલી. જેમાં અહીં અમદાવાદનો એક રસપ્રદ કિસ્સો સંતોએ કહ્યોઃ ‘અહીં અમદાવાદમાં ખોખરા-મણિનગર વિસ્તારમાં બળદેવભાઈ પટેલ કરીને એક ભાઈ રહેતા. તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ તેમના ઘરમાં જ આવેલા, તેમના પ્રોવિઝન સ્ટોરમાં તે બેઠા હતા. તેમને એક દવા લેવાની હતી. તેથી પોતાની દુકાન ખુલ્લી રાખીને સામેના મેડિકલ સ્ટોરમાં તે દવા લેવા ગયા. દુકાન ખુલ્લી જોઈને કેટલાક લૂંટારાઓ તેમની દુકાનમાં ઘૂસી ગયા. મેડિકલ સ્ટોરવાળાએ બળદેવભાઈનું ધ્યાન દોર્યું, બળદેવભાઈ દોડતા પોતાની દુકાનમાં આવ્યા. ઝપાઝપી થઈ અને લૂંટારાઓએ બળદેવભાઈ પર જાનલેવા પ્રહારો કર્યા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ૪૦ બોટલ લોહી ચઢાવ્યું, છતાં ન બચ્યા અને ૯-૩૦ વાગે તો તે મૃત્યુ પામ્યા.
બળદેવભાઈને બીજા ત્રણ ભાઈ છે - ચંદુભાઈ, વિલાસભાઈ, કિરીટભાઈ. મૃત્યુ પછીની ૧૫-૨૦ મિનિટમાં જ બળદેવભાઈએ પોતાની પત્નીમાં પ્રવેશ કર્યો અને બધું વ્યાવહારિક માર્ગદર્શન આપવા માંડ્યા. આ ક્રમ પછી રોજનો થયો. તેમણે પોતાના ઘરમાં જ નાનું મંદિર બનાવડાવી તેમાં એક શ્રીફળ પધરાવડાવ્યું હતું. સાંજે જ્યારે ઘરમંદિરમાં આરતી થાય ત્યારે તે પત્નીના શરીરમાં પ્રવેશ કરે અને જરૂરિયાત પ્રમાણે માર્ગદર્શન આપે અને બાકીના સમયમાં તે નારિયેળમાં રહેતા.
સન ૨૦૦૭ના વર્ષમાં તેમના નાના ભાઈ ચંદુભાઈ સંપર્ક કાર્યકરના યોગમાં આવ્યા. સત્સંગ ગમ્યો અને તે સત્સંગી થયા. ત્યારબાદ બળદેવભાઈ ચંદુભાઈનાં પત્નીમાં પણ પ્રવેશ કરવા લાગ્યા. ત્યાં પણ તેઓ વ્યાવહારિક માર્ગદર્શન જ આપતા. કોઈને ક્યારેય હેરાન કરતા નહોતા. પરંતુ આ ચાલુ વર્ષમાં ૮-૧૦ મહિના પહેલાંથી તે ચંદુભાઈનાં પત્નીમાં આવીને વારે વારે કહેવા લાગ્યા હતા, ‘મારો મોક્ષ કરો. મારે છુટકારો મેળવવો છે.’ બળદેવભાઈના પુત્ર છે જિતેન્દ્રભાઈ. તેમની સાથે બળદેવભાઈએ ચર્ચા કરેલી અને એવી રજૂઆત કરેલી કે ચાણોદમાં ભૂવાઓ પિતૃઓનો મોક્ષ કરે છે, તેમાં મને લઈ જાઓ. પણ ઘરમાં કોઈનું મન માન્યું નહોતું. તેથી વાત થોડી મુલતવી રાખવામાં આવી હતી. પછી તો છેલ્લા બે મહિનાથી લગભગ રોજ બળદેવભાઈ બૂમો પાડવા લાગ્યા હતા કે, ‘મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો.’ ચંદુભાઈ હવે તો નિષ્ઠાવાન સત્સંગી બની ચૂક્યા હતા. તેમણે પ્રસ્તાવ મૂક્યો કે ‘આપણે મોટા ભાઈનો મોક્ષ કરવા માટે સંતો જોડે જઈએ તો?’ આ સાંભળી બળદેવભાઈએ જ કહ્યું કે, ‘તો તો સારામાં સારું.'
આ જ અરસામાં સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા હતા. અને તેમની મુલાકાત ૧૭મી માર્ચ, ૨૦૧૭ એટલે કે સ્વામીશ્રીના આફ્રિકા ધર્મયાત્રા ગમનના દિવસે જ ગોઠવાઈ. અમદાવાદ રોકાણનો તે આફ્રિકાયાત્રા પહેલાનો અંતિમ દિવસ હતો. સંતોએ બધી વિગત જાણીને તેમને આશીર્વાદ અપાવવા માટે ઝરૂખા નીચે બેસાડ્યા. સ્વામીશ્રી મંદિર દર્શન કરીને લિફ્ટ દ્વારા નીચે પધાર્યા. સંતો બધા હરિભક્તો-ભાવિકોનો પરિચય અને પ્રશ્ન રજૂ કરતા જતા હતા. આત્મસ્વરૂપદાસ સ્વામીએ ચંદુભાઈ અને બળદેવભાઈના પુત્ર જિતેન્દ્રભાઈને ઊભા કર્યા. ટૂંકમાં સઘળી હકીકત જણાવી. સ્વામીશ્રીએ તેમને ગુલાબનું પુષ્પ મોકલાવ્યું અને કહ્યું: ‘હવે મોક્ષ થઈ ગયો.’ જિતેન્દ્રભાઈ સત્સંગી નહોતા. તેમને સત્સંગનો કોઈ વિશેષ પરિચય નહોતો. તેથી તેમણે સ્વામીશ્રી અને સત્સંગની સત્યતા પારખવા માટે સંકલ્પ કર્યો હતો કે, ‘જો મહંત સ્વામી મહારાજ આ વાત જાણીને ગુલાબનું પુષ્પ મોકલાવે તો હું માનીશ કે મારા પિતાશ્રીનો મોક્ષ થઈ ગયો.’ સ્વામીશ્રીએ અંતર્યામીપણે તેમનો સંકલ્પ પૂરો કર્યો. સ્વામીશ્રીના આશીર્વાદ તો મળી ગયા, હવે પરિવારના સભ્યોને વિચાર આવ્યો કે, આપણે ઘરમાં મહાપૂજા કરાવીએ અને રસોઈ આપીએ.
તા. ૨૯-૩-૨૦૧૭ના રોજ ધર્મતિલકદાસ સ્વામી અને દિવ્યકિશોરદાસ સ્વામી તેમના ઘરે મહાપૂજા કરવા ગયા. મંગલાચરણ પૂરું થયું ન થયું અને પ્રથમ જ વાર ચંદુભાઈના શરીરમાં બળદેવભાઈએ પ્રવેશ કર્યો અને બૂમો પાડવા લાગ્યા: ‘મને નીચેથી ઉપર લઈ આવો... મને નીચેથી ઉપર લઈ આવો.’ તેથી તરત જ બળદેવભાઈની સૂચના પ્રમાણે નાનું મંદિર બનાવીને તેમાં જે નારિયેળ મૂકવામાં આવ્યું હતું, તે તેમના નિવાસરૂપી નારિયેળ ઉપર લાવવામાં આવ્યું. તે ચંદુભાઈના ખોળામાં મૂકવામાં આવ્યું. બળદેવભાઈ સતત – ‘મારો મોક્ષ કરો... મારો મોક્ષ કરો.’ તેમ બૂમો પાડી રહ્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ આજે સફળ થવા જઈ રહ્યા હતા. સંતોએ ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્યો અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની સ્મૃતિ કરતાં, પ્રાર્થના કરતાં, મહાપૂજાવિધિ આગળ ધપાવ્યો અને ઠાકોરજીને પંચામૃત સ્નાન બાદ જે શુદ્ધ જળથી સ્નાન કરાવેલું તે શુદ્ધ જળથી સ્નાન કરાવેલું તે શુદ્ધ જળ પેલા નારિયેળને પંચમૂર્તિ સમક્ષ પધરાવીને તેની પર છાંટ્યુ. મહાપૂજાવિધિ પૂરો થયો. કે તરત જ બળદેવભાઈ મોટે મોટેથી બોલવા લાગ્યા કે ‘હું પાંચ મિનિટમાં જાઉં છું, કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી લો.’
પરિવારજનોએ તેમના મનમાં મૂંઝવતા બે-ચાર પ્રશ્નો રજૂ કર્યા. બળદેવભાઈએ તેમાં પણ ‘સત્સંગ પ્રધાન રાખશો તો સુખી થશો. અને સત્સંગની સેવા કરવાથી તમારા બધાનો પણ મોક્ષ થશે.’ તે ભાવના ઉત્તરો આપ્યા. પછી કહેઃ ‘મને હવે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ખોળામાં બેસાડીને લઈ જવા માટે આવ્યા છે, માટે હું જાઉં છું.’ પછી બધા પરિવારજનોને કહેઃ ‘તમે સંતોને ખાસ પ્રાર્થના કરજો કે મારા જેવા જેટલા અવગતિએ ગયેલા જીવ છે, તે બધાનો મોક્ષ થાય તેવી પ્રાર્થના કરે.’
સંતોએ નારિયેળ પંચમૂર્તિ સમક્ષ પધરાવીને પુનઃ પ્રાર્થના કરી અને બળદેવભાઈનો મોક્ષ થઈ ગયો. આ પ્રસંગ પહેલાં બળદેવભાઈનો આખો પરિવાર જુદી શ્રદ્ધા ધરાવતો હતો, પરંતુ આવો પ્રત્યક્ષ પ્રતાપ જોઈને સૌએ કંઠી બાંધી અને ચુસ્ત સત્સંગી થયા.
સ્વામીશ્રી કહેઃ ‘બધા પરચા બહાર પડે તો ભૂત કઢાવવા માટે અહીં લાઇન લાગે.’ એમ કહીને હસી પડ્યા.
સ્વામીશ્રીને પ્રશ્ન પુછાયોઃ ‘સત્સંગી હોય તેમાં પણ ભૂત કેમ પ્રવેશ કરતા હશે?’
સ્વામીશ્રી કહેઃ ‘કાંઈક પોલ હોય તો જ પ્રવેશે.’
ધર્મતિલકદાસ સ્વામીએ સૌ વતી પ્રાર્થના કરતાં સ્વામીશ્રીને કહ્યું: ‘અમારાં ૫૧ ભૂત કાઢજો.’ સ્વામીશ્રીએ મધુર આશીર્દષ્ટિ કરી.
No comments:
Post a Comment