બસ ! એ ગુણ લેવો

*બસ ! એ ગુણ લેવો*

તા. ૦૧-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, જેઠ વદ ૧૦, શુક્રવાર, જામનગર
સ્વામીશ્રીનું પત્રવાંચન લગભગ પૂરું થવાનું હતું. સ્વામીશ્રીએ પરદેશથી લાભ લેવા આવેલા અને દેશમાંથી પણ આવેલા દરેક યુવકને રૂમમાં બોલાવ્યા.
પરદેશથી આવેલા યુવકોને ગામડામાં સ્વાભાવિક રીતે ફાવે નહીં. એમાં પણ ભાદરામાં માખીઓના ઉપદ્રવને લીધે તેઓ ખૂબ કંટાળ્યા હતા. સ્વામીશ્રીએ તેઓની આ રગ પકડીને કહ્યું : 'ભાદરામાં કેવું રહ્યું ?'
'બહુ ન ફાવ્યું.' નિખાલસપણે યુવકોએ કબૂલાત કરી.
આ સાંભળીને સ્વામીશ્રી કહે : 'ભાદરા તો ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન છે, મહાપ્રસાદીનું કહેવાય. ત્યાં ગામડું છે એટલે વરસાદને લીધે કાદવ થાય પણ તમને ખબર પડે ને કે ઈન્ડિયામાં ગામડાં કેવાં હોય છે ? ત્યાં જઈને પાછું એમ ના કહેવું કે બધું ડર્ટી હતું. અહીંના લોકો જેમ ટેવાઈ ગયા છે એમ તમારે પણ ટેવાઈ જવું. જ્યાં જેવી સગવડ મળે ત્યાં ફાવી જવું જોઈએ. માટે ત્યાં જઈને એમ ન કહેતા કે ડર્ટી છે.'
'બહારથી ભલે ગંદું હોય પણ ઈન્ડિયા અંદરથી તો બહુ જ સારું છે.' શીલે જવાબ આપ્યો.
'બસ ! એ ગુણ લેવો. ઈન્ડિયામાં જેવી ધાર્મિક ભાવના છે, કુટુંબ ભાવના છે, એવી ત્યાં પરદેશમાં નહીં મળે, ત્યાં તો બાજુમાં શું ચાલતું હોય એની પણ ખબર પડે નહીં ને અહીં તો કોઈના ઘરે જાવ તો લોકો કેવી આગતા-સ્વાગતા કરે છે ! અહીં તમે મહેમાન થાવ તો ભલે ઘર નાનું હોય તોય ઘરે ઉતારો આપે ને ત્યાં તો હૉટલમાં ઉતારે. એટલે આપણું કલ્ચર જ એવું છે. સમૂહની સાથે રહેવામાં જ મઝા આવે ને ત્યાં તો કોઈ એકબીજાના ભેગા રહે નહીં. એટલે ઈન્ડિયા જેવું એકપણ નથી.'

No comments:

Post a Comment