ભગવાનનો આશરો રાખી ભજન કરવું

*ભગવાનનો આશરો રાખી ભજન કરવું*

તા. ૦૩-૦૮-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૧૪, બુધવાર, બોચાસણ
અલ્પાહાર પછીની ૧૮૧ મુલાકાત દરમ્યાન અમદાવાદનો એક આશાસ્પદ યુવાન સ્વામીશ્રી પાસે આવ્યો. તેઓના પિતાશ્રી એમને લઈને આવ્યા હતા. વધુ પડતાં સંવેદનશીલતાને કારણે આ યુવક હતાશ થઈ ગયો હતો. દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને અનેક પ્રશ્નોને લઈને ખિન્ન થયેલા એને એમ લાગ્યા કરતું હતું કે હું એકલો જ આ બધું સુધારી દઉં, પરંતુ એમાં ફળ ન દેખાતાં હવે નર્મદાકિનારે જઈને ધ્યાન કરીને, તપ કરીને, દેશને સુધારવાની ખ્વાહિશ એ ધરાવે છે. એના આ ડીપ્રેશનની વાત સ્વામીશ્રીએ પૂરેપૂરી સાંભળી. એના પિતાશ્રીએ રજૂઆત કરી પછી સ્વામીશ્રીએ પેલા યુવકને સંબોધીને કહ્યું : 'આપણે જે કંઈ કરવું એ ઘરમાં બેઠાં બેઠાં જ કરવું. ઘરમાંથી નીકળવાની કાંઈ જરૂર નથી. રોજ પૂજાપાઠ કરવી. એમાં ભગવાનને પ્રાર્થના કરતા રહેવું કે દુનિયા સુધરે. સદ્‌ગ્રંથોનું વાંચન કરવું જેથી આપણને શાંતિ થાય ને દુનિયામાં શાંતિ લાવવા માટે તું વિચારતો હોય તો નર્મદાકિનારે જવાથી પણ એ નહીં થાય. મૂળ ભગવાનનો આશરો રાખી ભજન કરવું ને પ્રાર્થના કરવી. એ રીતે આપણો ટેકો આપીએ એટલી આપણી સેવા, બાકી નોકરીધંધો કરીને, ઘરમાં રહીને માબાપની સેવા કરવી ને એ જવાબદારી સંભાળવી ને ભજન કરતા રહેવું.' સ્વામીશ્રીએ એને વિશ્વશાંતિનો ઢુંકડો માર્ગ બતાવ્યો.

No comments:

Post a Comment