જૂના સંતોની વાત*

*જૂના સંતોની વાત*

તા. ૨૮-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૮, ગુરુવાર, બોચાસણ
સાંજે ભ્રમણ, આસન કરીને પ્રસાદ અંગીકાર કરવા વિરાજ્યા એ દરમ્યાન જૂના સંતોની વાત નીકળી. સંજાયાના ગોવિંદ સ્વામી ભંડાર પણ કરતા ને પીરસતા પણ ખરા. બધી જ સેવા કરતા. ધર્મશાળાની ઓરડી હતી ત્યાં રહેતા. એવા જ જૂના સંત મોટા અક્ષર સ્વામી સંતદા જે સીસવાના હતા. આ બંને સંતો શાસ્ત્રીજી મહારાજની સાથે નીકળ્યા હતા. મોટા અક્ષર સ્વામી બળિયા હતા. મંદિરના પથ્થરનો મોટો પાટડો હોય એ પાટડાની એક તરફ એ હોય અને બીજી તરફ સોમા ભગત હોય અને બંને જણા ઊંચકીને એક બાજુ ફેંકી દેતા, આવા બળિયા હતા. એમનો ભૂલકણો સ્વભાવ પણ હતો. હું વૅકેશન હતું એટલે એમની સાથે ગામડે ફરતો હતો. શાંતિપુરાથી અમારે નેનપુર જવાનું હતું. શાંતિપુરાના પ્રભુદાસ હતા એમણે કહ્યું, 'સ્વામી ! હું ડમણિયું જોડી આપું.'
'હાલ્યા જઈશું. કાંઈ જરૂર નથી. તારે અત્યારે ખેતીનું કામ ચાલે છે ને !' અક્ષર સ્વામીએ 'ના' પાડી પરંતુ પ્રભુદા હળ, લાકડું છોડીને ડમણિયું લઈ આવ્યા. એમાં બેઠા. નેનપુરને એક ગાંવ છેટું રહ્યું હશે ત્યારે વળી અક્ષર સ્વામી કહે: 'તું હવે જા, નેનપુર આ રહ્યું, અમે ચાલી નાખીશું.' સાથેના ગોવિંદ સ્વામી કહે : 'આપણે તો ચાલી નાખીશું પણ આ છોકરો નાનો છે (સ્વામીશ્રી પોતાની વાત કરી રહ્યા હતા) એને બીચારાને તકલીફ થશે.
પણ અક્ષર સ્વામી કહે : 'કાંઈ વાંધો નહીં આવે. ચાલી નાખીશું.' એમ કહીને ડમણિયામાંથી નીચે ઊતરી ગયા. અક્ષર સ્વામીના માથે પોટલું હતું. ગોવિંદ સ્વામીએ પણ પોટલું લીધું હતું. મારા હાથમાં મારી થેલી અને એક બીજું પોટલું પણ હતું. અંધારું થવા આવ્યું હતું. અમે તો ચાલ્યા. ચાલ્યા... ચાલ્યા... તે ઠેઠ પહોંચ્યા વાત્રકના કિનારે. અહીં આવ્યા ત્યારે અક્ષર સ્વામી કહે : 'લ્યો, આ તો મહેમદાવાદ આવી ગયા.' ત્યાં નદીકિનારે થોડું નાહ્યાધોયા અને પછી રેલવેના પાટે પાટે પાછા વળ્યા, ને એ રીતે નેનપુર પહોંચ્યા. અક્ષર સ્વામી આવા ભૂલકણા હતા. એમની યાદશક્તિ આવી હતી છતાં શાસ્ત્રીજી મહારાજે કપાળે અંગૂઠો અડાડીને કહ્યું કે 'જાવ જ્ઞાન થઈ ગયું.' તો વચનામૃતના બધા જ શબ્દો એમને મોઢે થઈ ગયા.

No comments:

Post a Comment