*આજ્ઞા પાળવાનું ખમીર*
જામનગરના વયોવૃદ્ધ હરિભક્ત કાનજીભાઈ મંડલી, જેમની વય ૮૬ વર્ષ છે, ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાપાલનની વાત આવતા, તેઓના મુખ પર ખુમારી છલકી ઊઠે છે.
કાનજીભાઈ જામનગરની હર્ષદ મિલમાં પગી તરીકે નોકરી કરે છે. બંધ મિલના કંપાઉન્ડની રક્ષા માટે તેઓને મહિને અતિ સામાન્ય પગાર મળે છે. આટલી ઓછી રકમમાં તો ગુજરાન ચલાવવું પણ અતિ મુશ્કેલ, છતાં તેઓની દૃઢતા એવી કે તેમાંથી પણ વીસમો ભાગ ધર્માદા માટે કાઢે. સંતોએ તેઓને ના પાડી તો વિનંતી કરવા લાગ્યા કે, 'બાપા ! મને પણ ભગવાનની આજ્ઞા પાળવા દોને !' આવી તેઓની ખુમારી અને દૃઢતા.
વળી, તેઓ દર વર્ષે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપે છે ને દર વર્ષે નાપાસ થાય છે. અગિયારમી વખત તેઓએ પ્રારંભની પરીક્ષા આપી અને પાસ થયા. હવે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેઓને સંતોએ પૂછ્યું કે, 'આટલી બધીવાર નાપાસ થયા તો પછી પરીક્ષા શું કામ આપો છો ?' ત્યારે તેઓ કહે, 'હું પ્રયત્નપૂર્વક વાંચું છું. યાદ રાખવાનો પ્રયત્ન કરું છું, પણ યાદ નથી રહેતું, પણ આજ્ઞા તો પળાય છે ને !'
ગુરુહરિની આજ્ઞા પાલન માટે હરિભક્તોની આવી દૃઢતા અને ખમીર આપણને સૌને પ્રેરણા પૂરી પાડે છે. આપણે પણ ગુરુઆજ્ઞા પાલન અને નિયમધર્મનું હંમેશાં દૃઢતાપૂર્વક પાલન કરતા રહીએ.
No comments:
Post a Comment