*સંસ્થાના કાર્યને બિરદાવતા મહાનુભાવો*
તા. ૦૮-૦૮-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, શ્રાવણ સુદ ૩, સોમવાર, બોચાસણ
સંસ્થાના કાર્યને બિરદાવતા મહાનુભાવો
તા. ૮ આૅગસ્ટના રોજ નર્મદા નિગમના ચૅરમૅન અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યસચિવ પી.કે. લહેરી, પુરવઠામંત્રી છત્રસિંહ મોરી અને આણંદના જિલ્લા કલેક્ટર ઝાલાવાડિયા સાહેબ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. પ્રાસંગિક સત્સંગસભામાં પૂર્વ મુખ્યસચિવ પી.કે. લહેરીએ પ્રવચન કરતાં કહ્યું હતું કે '૧૯૫૯થી લગભગ ૩૬ વર્ષ સુધી રાજ્યનાં વિવિધ કાર્યોમાં મેં સેવાઓ આપી છે. અનેક પ્રસંગોએ મેં જોયું છે કે જ્યારે જ્યારે રાજ્યમાં વાવાઝોડું, ધરતીકંપ, પૂર જેવી આપત્તિ આવી હોય, એ વખતે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા ને આશીર્વાદથી સંપ્રદાયના સંતો અને સ્વયંસેવકોએ નોંધપાત્ર કામ કર્યું છે. બચાવની કામગીરી હોય કે ફરીથી બેઠા થવાની કામગીરી હોય, આ સંસ્થા હંમેશાં સેવા કરવા માટે આગળ રહી છે. અમુક કામ તો એવાં કપરાં હતાં કે જ્યાં માણસ એક દિવસ પણ સુખ અને શાંતિથી ન રહી શકે, એવા રણ વિસ્તારમાં પણ ગામો બાંધી આપીને, જે લોકોએ ક્યારેય પણ સુખ અને શાંતિનો અનુભવ કર્યો ન હતો, એવાને સુખ અને શાંતિ આપવા માટે સતત પ્રયત્ન કર્યો છે. આવા બળબળતા રણ વિસ્તારમાં સવાથી દોઢ વર્ષ સુધી રહીને આ સંતો અને સ્વયંસેવકોએ ખૂબ જ અદ્ભુત કાર્ય કર્યું છે. એટલે જ આખી દુðનિયામાં આ સંપ્રદાય માટે આગવો ભાવ ને વિશિષ્ટ આદર છે. વળી, આશ્ચર્ય એ છે કે આ સંસ્થાનું સંચાલન કેટલી ચોકસાઈ, ત્વરા ને સુંદરતાથી થઈ રહ્યું છે કે મલ્ટીનેશનલ કંપનીઓને પણ એમાંથી પ્રેરણા મળે. ધર્મના કામની સાથે સાથે સહજતાથી ને સંપૂર્ણ પ્રભુને અર્પણ કરવાના ભાવ સાથે અહીં કામ થાય છે. એને લીધે અહીં ધન્યતાનો અનુભવ થાય છે. પ્રમુખસ્વામી મહારાજે નર્મદાના ડેમ ઉપર પણ પધારીને પૂજન કર્યું છે અને અમદાવાદમાં જળનો અભિષેક કરીને, આશીર્વાદ આપીને ઉપકૃત કર્યા છે. આ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂરો થાય એની એમણે સતત ચિંતા કરી છે.'
આ પ્રસંગે છત્રસિંહ મોરીએ સ્વામીશ્રી સાથેની પોતાની જૂની સ્મૃતિઓને ફરી તાજી કરતાં કહ્યું હતું કે 'પ્રમુખસ્વામી મહારાજ ધર્મને સાથે રાખીને સમાજમાં કામ કરી રહ્યા છે, એ ખૂબ અદ્ભુત છે. સંપ્રદાયો તો ઘણા છે, પરંતુ આ સંપ્રદાય માનવતા લાવવાનું કામ કરી રહ્યો છે. મૂલ્યોને જાળવીને સમાજની સેવા કરનારી આવી બહુ જ ઓછી સંસ્થાઓ છે. હું માનું છું કે આ સંપ્રદાય ભક્તિનું કેન્દ્ર છે. પહેલાં માણસમાં માનવતા આવે તો જ ભક્તિ શક્ય બને. આ સંપ્રદાય એવું કાર્ય કરી રહ્યો છે. ધર્મની સાથે સાથે સામાજિક ક્રાંતિ આણીને સમાજના ઉદ્ધારમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. સત્સંગીઓ આપત્તિમાં સૌને મદદરૂપ થવાના કાર્યની સાથે સમાજમાં વ્યાપેલી બદીઓ ને દૂષણોને પણ દૂર કરવાનો સતત પ્રયત્ન કરે છે. અવળે રસ્તે ચડેલાઓને સુધારવાનું જે કાર્ય માબાપ નથી કરી શકતાં એ કાર્ય સ્વામીજી, સંતો અને સ્વયંસેવકો કરે છે. આ સંપ્રદાય એક સોશિયલ ફોર્સ છે. સામાજિક ક્રાંતિનું અદ્ભુત કાર્ય સ્વામીશ્રી દ્વારા થઈ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં આ સંસ્થા દ્વારા કાર્ય થયું છે. જે ધ્યેય સિદ્ધ કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે.'
૧૧-૫૦ વાગ્યે આશીર્વચનની સમાપ્તિ પછી સ્વામીશ્રી ઉપર ઉતારે પધાર્યા. આણંદના જાણીતા સંગીતકાર બ્રીજ જોષી દર્શને આવ્યા હતા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું, 'આપે હમણાં કથામાં જે વાત કરી કે સાધના કરીને જે સિદ્ધિ મેળવી હોય એનો અહંકાર ન આવવો જોઈએ. આપે રામકૃષ્ણ પરમહંસનું દૃષ્ટાંત કહ્યું. આપે સુંદર વાત કરી. મને પણ આપ એવા આશીર્વાદ આપો કે જેથી મારી સિદ્ધિનો અહંકાર મને આવે નહીં.' સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'જે કંઈ પ્રયત્ન કરો એ કેવળ ભગવાનને રાજી કરવા કરો, તો ક્યારેય અહંકાર આવશે નહીં. એક ભગવાન રાજી તો બધા જ રાજી. પાંડવોએ કૃષ્ણને રાજી રાખ્યા. ભગવાન જ એક રાજી કરવા જેવા છે. એમને રાજી રાખવા, તો ક્યારેય અહંકાર નહીં આવે.'
No comments:
Post a Comment