*એક ભગવાનનો આશરો દૃઢ રાખજો*
તા. ૨૨-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૧, શુક્રવાર, બોચાસણ
એક મુમુક્ષુ આવ્યા. તેઓના ભાઈ થોડાક મહિનાઓ પહેલા ધામમાં ગયા હતા. એ પહેલાં તેઓનાં બહેનને અસાધ્ય દર્દ વળગી ગયું હતું. ઉપરાછાપરી આવેલા આવા દુઃખોના પ્રસંગને કારણે હિંમત હારી ગયેલા ને આજુબાજુના સ્નેહીઓની ભરવણીને લીધે તેઓ એવું માનવા લાગ્યા હતા કે એમના પરિવાર ઉપર કોઈએ મૂઠ મારેલી છે, પ્રેતાદિકનો ઉપદ્રવ છે. સ્વામીશ્રીએ કથની સાંભળ્યા પછી તરત જ કહ્યું : ''બધી જ ભગવાનના હાથની વાત છે. ભૂવાજાગરિયા કરવામાં પૈસા ખોવાની જ વાત છે. રાજા હોય કે શેઠિયા હોય સૌને ક્યારેક દર્દ તો આવે, પણ એ તો જિંદગીનો ક્રમ છે. ભૂવાજાગરિયા કરશો એમાં દરદ તો મટશે નહીં અને પૈસા ખોશો. માટે ભૂવા પાસે જવું નહીં. ભૂવા પાસે જશો તો 'ફલાણું કરો ને ઢીંકણું કરો' એમ કરશે ને સુખશાંતિ પણ જતાં રહેશે. માટે એક ભગવાનનો આશરો દૃઢ રાખજો. મૂળ અહીં (અંતરમાં) વહેમ પેસી ગયો છે એટલે નીકળતાં વાર લાગે છે, પણ ભગવાનની ઇચ્છાથી જે દુઃખ આવે એ આપણે ભોગવી લેવાનું છે. શરીર છે એટલે મુશ્કેલી તો આવશે. જગતનો આ ક્રમ છે. ઉપચાર કરવો એની ના નથી અને ભગવાનની માળા અને ભજન કર્યા કરવી.'
No comments:
Post a Comment