જે દુઃખ થાય તે થાજો રે...

*'જે દુઃખ થાય તે થાજો રે...'*

તા. ૦૭-૦૮-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, શ્રાવણ સુદ ૨, રવિવાર, બોચાસણ
૧૧-૦૦ વાગ્યે સ્વામીશ્રી સભામાં પધાર્યા. મહંત સ્વામી 'નિષ્ઠા' ઉપર સુંદર વાતો કરી રહ્યા હતા. માળા ફેરવતાં ફેરવતાં સ્વામીશ્રીએ એ વાતો સાંભળી. તેઓના નિરૂપણ પછી યુ.કે.થી આવેલા નેહલ ચૂડાસમાએ 'જે દુઃખ થાય તે થાજો રે...' એ કીર્તનનું ગાન કર્યું. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું : ''વાહ ! અમેરિકા ને લંડનથી આ છોકરા આવ્યા છે, તેમણે આ કીર્તન ગાયું ! આ તો બેસાડીને ખબર રાખીએ છીએ એટલે બેઠા છે, પણ હમણાં જો જરાક આઘુંપાછું થાય તો અમેરિકાભેગા થઈ જાય. અહીં તો જરાક જ દુઃખ છે તો પણ સમાગમને બદલે ઘમાઘમ થઈ જાય. એવું થાય તો ગાયું નકામુ થઈ જાય. માટે આ ગાયું છે તો કાયમ રાખવાનું. દુઃખ તો બધાં આવશે, પણ ભગવાનને ભજવામાં મન પાછું પડવું જોઈએ નહીં. વ્યવહારમાં, સંસારમાં હજારો પ્રકારનાં દુઃખ આવે છે, તોય પડ્યા રહીએ છીએ. પતિપત્નીને તકરાર થાય તો એકબીજાંનું સહન કરી લે છે. પતિપત્ની ઝઘડ્યાં તો બધાંએ પૂછ્યું કે શું થયું ? તો પત્ની કહે : 'એ તો મારી જીભ હાલી એટલે એનો હાથ હાલ્યો.' એટલે સંસારમાં આપણે મન વાળી લઈએ છીએ. સત્સંગમાં જરાક કોઈક બોલી જાય તો ઘરભેગા થઈ જાય. ઘરમાં આટલું બધું દુઃખ છે - બૈરાંછોકરાં બોલે, સરકાર-માબાપ બોલે તો પણ તેમાં દુઃખ નથી મનાતું. અહીં ભગવાન ભજવામાં દુઃખ મનાય છે.
કીર્તનમાં કહે છે, 'જે દુઃખ થાય તે થાજો રે, ભગવાનને ભજવામાં...' કારણ કે ભગવાન દુઃખ આપવા આવ્યા જ નથી. ભક્તની પરીક્ષા કરવા માટે ભગવાન દુઃખ આપે. જે ભણતો હોય એની પરીક્ષા થાય. એમ ભગવાન પણ ભક્ત સાચો છે કે દેખાવનો તે જોવા પરીક્ષા કરે.

No comments:

Post a Comment