પંચાળા રાસોત્સવ
~~~~~~~~~~~~~
સખી પંચાળા ગામના ચોકમાં રે, ખાંતે માંડ્યો રસીલે ખેલ
રમે રાસ રંગીલો રંગમાં રે...ટેક૦
ચહુ કોરે સખાની મંડળી રે, ઉભા વચમાં છેલો અલબેલ...રમે૦ ૧
સખી ચાલોને જઇએ દેખવા રે, વહાલે પહેર્યા છે વસ્ત્ર શોભીત...રમે૦ ૨
તાળી પાડે રૂપાળી તાનમાં રે, મુખે ગાવ મનોહર ગીત...રમે૦ ૩
શોભા બની સલૂણા શ્યામની રે, ઉભી વ્રજની નારી જોવા કાજ...રમે૦ ૪
હસી હેરે છબીલો હેતમાં રે, બ્રહ્માનંદનો વહાલો વ્રજરાજ...રમે૦ ૫
પંચાળાના થી ઝીણાભાઈ દરબાર, મહારાજ ના દર્શન માટે ગઢપુર આયા’તા. તેમણે બે હાથ જોડીને મહારાજ ને પ્રાર્થના કરી, “મહારાજ! સર્વે સંત હરિભક્તોને સહિત આપ પંચાળા પધારીને ફૂલદોલોત્સવ ઉજવો”
અને રાજી થઈને મહારાજે ખાતરી આપી, “ભલે ભલે ભક્તરાજ ! અમે સઘળા સંતો તથા હરિભક્તોને ભેગા થઈને, પંચાળા પધારી ફૂલદોલોત્સવ જરૂર થી ઉજવશું.”
મહારાજ તો વાયદા પ્રમાણે બધાય સંત હરિભક્તોને લઈને પંચાળે પધાર્યા. બધાય માટે માટે ઝીણાભાઈએ એમનો દરબાર ખુલ્લો મૂકી દીધો. તેમની બહેન આદીબાને પણ, મહારાજ પ્રત્યે બૌવ પ્રેમભક્તિ હતી, તેથી સેવા, સરભરા અને મહેમાનગતિમાં કાંઈ કસર નહોતી રાખી.
અને મહા સુદ પુનમ, સંવત 1877 ના દિવસે, બપોર પછી બાદ ઝીણાભાઈનાં દરબારમાં મહારાજ સભામાં બિરાજમાન થયા. અને સાથે બધાય મોટેરા અને અન્ય સંતો તથા દેશદેશના હરિભક્તો બેઠા હતા. ત્યારે અચાનક બ્રહ્માનંદ સ્વામીએ ઊભા થઇને, બે હાથ જોડી પ્રસ્તાવ મૂક્યો, “મહારાજ ! શ્રીકૃષ્ણ ભગવાને જેમ ગોપિકાઓને શરદ પૂર્ણીમાની રાત્રે, મહા રાસ રમાડી પોતાના દિવ્ય સુખને અનુભૂતિ કરાવેલી એમ આજે આપ અમારી સાથે રાસ રમીને, આપના સર્વોપરી સુખની અનુભૂતિ કરાવો. એવો અમારો સંકલ્પ ઈચ્છા છે.”
આ સાંભળીને હંસતા હસતાં મહારાજે કીધું, “ભલે ! તમારો આ મનોરથ, અમે જરૂર થી પૂરો કરશું. પણ એક શરત છે કે, તમારે તે જ સમયે નવીન કીર્તનો રચવા. એક કીર્તન પૂરું થાય, અને બીજું તૈયાર જ હોય; તો જ મહારાસ નો મહાઆનંદ માણી શકાય તેમ છે !”
ખુશ થઈને બ્રહમાનંદ સ્વામીએ શરત સ્વીકારી લીધી એટલે મહારાજે કીધું, “પશ્ચિમ દિશામાં જે ટેકરો છે, ત્યાં વિશાળ પટાંગણ છે. એ જગ્યા પર મહારાસ ગોઠવો. ત્યાં બાજુમાં સાબલી નદીનાં નીર વહે છે. આજે પૂનમની રાત્રિ છે, ચંદ્ર બારોબાર પૂર્ણપણે પ્રકાશી રહ્યો છે. અને ને ઠંડી હવા પણ આહલાદક છે. આમ સમગ્ર પ્રકૃતિ બધા જ પ્રકારે, આ પ્રસંગ માટે અનુકૂળ છે.”
બ્રહ્માનંદ સ્વામીએ વાત આગળ કરી, “અને...! આજે તો ભગવાન પણ સાનુકૂળ છે.”
એટલે મહારાજ કહે, “ભગવાન સાનુકૂળ છે, તેથી જ તો આ બધું અનુકૂળ થઈ રહ્યું છે. નઈતર દેશ કાળ કાંઈ, ભગવાન ભજવા દે એવા નથી.”
બધાય સંતો મહારાજ ની વાણીનો મર્મ સંદેશ પામી ગયા. અને સાંજે સંત હરિભક્તો તથા નગરજનો બધાય, સાબલી નદીના કિનારા ઉપર, જ્યાં મહારાસ નો આયોજન રખાયું’તુ ત્યાં પહોચી ગયા. રાત ના નવેક વાગ્યાનો સુધી માં તો, આખા પટાંગણમાં, નદી ના બંને’ય કિનારા, તેમજ આજુબાજુ ઝાડ ઉપર હજારો માણસો ની ભીડ થઈ ગઈ.
ઝીણાભાઈ દરબારે તો પહેલા થી જ ત્રંબાળું ઢોલ, શરણાઈ, ત્રાંસા જોડી, કરતાલો વગેરે સાજ તૈયાર કરાવીને હજાર કરી રાખ્યા’તા. બધાય રાહ જોતા હતા, એટલામાં મહારાજ પધાર્યા અને ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’થી આખું વાતાવરણ ગાજી ઊઠ્યું.
મહારાજ ત્યાં તૈયાર કરેલા મંચ ઉપર બિરાજમાન થયા. મહારાજ પાસે આવીને, બ્રહાનંદ સ્વામીએ હાથ જોડી કહ્યું, “મહારાજ ! બધી જ વ્યવસ્થા તૈયાર છે, અને બધાય આતુરતા સાથે રાસ રમણની રાહ જોઈ રહ્યા છે. આપ આજ્ઞા આપો એટલે આ દિવ્ય ભૂમિ પર, મહારાસ શરૂ કરીએ.”
મહારાજે કહ્યું, “ભલે ! હવે મહારાસ ની શરૂઆત કરી દો”
સ.ગુ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતોના હાથમાં કરતાલો હતી. પગમાં નૂપુર બાંધ્યા હતા. બીજા સંતો કુંડાળાની વચ્ચે બેઠા હતા તેમણે દુક્ક્ડ, સરોદ, ત્રાંસા, પખવાજ, સિતાર, શરણાઈ, ઝાંઝ, મૃદંગ, સારંગી, મંજીરા વગેરે અનેક પ્રકારના વાજિંત્રો લીધા હતા. એક સંતે ત્રંબાળુ ઢોલ કેડે બાંધી તેના ઉપર દાંડી મારી.
અને પખવાજ તથા દુક્કડના નાદ સાથે સ.ગુ. બ્રહ્માનંદ સ્વામીએ એમનાં પહાડી સૂરમાં લલકાર્યું...
સખી પંચાળા ગામના ચોકમાં રે,
ખાંતે માંડ્યો રસીલે ખેલ; રમે રાસ...
સંતોના પગમાં પહેરેલા નૂપુરના ઝણકાર, પગના ઠેકા સાથે આ સૂરમાં સુરમ્ય બની ગયા. કરતાલના નાદે પણ રાસના સૂરો સાથે સારું એવું તાદાત્મ્ય જમાવ્યું. બ્રહ્માનંદની આ એક જ પંક્તિના ઉચ્ચારણ સાથે જ રાસ જામ્યો અને સંતો પોતપોતાના કુંડાળામાં ઘૂમવા લાગ્યા. તેમની તન્મયતા; તેમની ભક્તિ પહેલા કુંડાળામાં પહોંચી ગયા.
મહારાજને અંદર આવતા જોઇને સંતોના આનંદનો અવધી ન રહ્યો. તે વખતે વેગથી રાસમંડળમાં ફરતા બ્રહ્માનંદ સ્વામીએ બીજી પંક્તિ ઉપાડી...
ચહું કોરે સખાની મંડળી રે,
ઊભા વચમાં છેલ્લો અલબેલ. રમે રાસ..
અને મહારાજ તો તાનમાં આવીને, સંતો સાથે તાલી દઈને રસમાં ફરવા લાગ્યા. જાણે બ્રહ્માંડ ફરતું હોય, તારા નક્ષત્રો સહિત સમગ્ર સૂર્યમંડળ ફરતું હોય એવી ભવ્યતા વિરાટને આંગણે ખેલતા એ રાસમાં ભાસતી હતી. બ્રહ્માનંદ કવિરાજના મુખમાંથી કાવ્યની પંક્તિઓ સર સર કરતી સર્યે જ રાખતી હતી....
તાળી પડે રૂપાળી તાનમાં રે,
મુખે ગાવે મનોહર ગીત, રમે રાસ...
મહારાજ સંતો સાથે તાળીના તાલ દેતા નેત્ર કટાક્ષોથી તેમના હૈયા વીંધતા, આજે જાણે સમગ્ર દિવ્યતાથી ભક્તોનાં હૈયા ભરી દેવાં હોય તેવા સંકલ્પથી ઘૂમી રહ્યા હતા. પંચાળાની ભૂમિ દીવ્યતમ તીર્થસ્વરૂપ શોભી રહી હતી. ઘણો સમય રાસની રમઝટ ચાલી.
પછી બ્રહ્મમુનિનાં કાવ્યોની કડીઓ ખૂટવા લાગી. એટલે મહારાજે રાસ રમતાં રમતાં જ કીધું, “હવે પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલે.”
સમય જતા તેઓ પણ થાક્યા. સંતો ગાતા ગાતા અને રાસ રમતા રમતા થાકી ગયા. પછી બ્રહ્માનંદ સ્વામીએ એક સંતને કહ્યું કે, મહારાજ તો બંધ રખાવશે નહિ, ને સંત સર્વે થાકી ગયા છે. આવતી કાલે ફૂલડોલનો ઉત્સવ છે. તેથી ગાવું પડશે. માટે તમે ઉતારામાં જઈને “ચોર, ચોર” એમ બૂમ પાડો. એટલે બધા વિખરાઈ જાય.
પછી તે સંતે બૂમ પાડી.તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી પણ બૂમ પાડવા લાગ્યા: “દોડો દોડો , ચોર આવ્યો હોય એમ લાગે છે.”
આ સાંભળી સંતો થંભ્યા અને રાસ વિખરાઈ ગયો. મહારાજ આ જોઈ રહ્યા. મહારાજ પછી બોલ્યા, “નક્કી આ યુક્તિ બ્રહ્માનંદ સ્વામીએ જ કરી લાગે છે.”
બ્રહ્માનંદ સ્વામીએ કીધું, “મહારાજ ! તમારી મરજી વિના તો તણખલું પણ ફરકતું નથી, તો પછી આ બધુ, મારી યુક્તિથી આમ કેવી રીતે બની શકે ?”
મહારાજ હસી પડ્યા અને મહારાસ પૂરો થયો, ત્યારે રાત્રિ પણ લગભગ પૂરી થવા આવી હતી. સૌ સંતો મહારાજની આજુબાજુ વીંટળાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું: “મહારાજ ! આજ ની રાત તો, છ મહિનાથી ય વધુ લાંબી થઇ હોય આવું લાગે છે.”
મહારાજે કહ્યું: “અક્ષરધામનો મહારાસ તો અવિરત ચાલ્યા જ કરે છે. કાળ અકળાયો હતો એટલે અવરભાવમાં રાસ અટક્યો; પણ એનો દિવ્ય આનંદ સૌના અંતરમાં શાશ્વત કાળ પર્યન્ત રહેશે.”
આજે પણ આ દિવ્ય ભૂમિમાં જે કોઈ ભાવિક ભક્ત જાય છે તેને પૂનમની રાતે આ મહારાસની ઝાંખી થાય છે.કેટલાકને વાજિંત્રોના ઘોષ સંભળાય છે. તો ઘણાને રાસમંડળમાં ઘૂમતા શ્રીજીના દિવ્ય દર્શન થાય છે. એટલે આજે પણ આ દિવ્ય મહારાસનું સ્વરૂપ અવિચ્છિન્ન રહ્યું છે.
શ્રીજી મહારાજે પંચાળામાં ઠાકોર શ્રી ઝીણાભાઈના ઘરે, શરદોત્સવનો સમૈયો કરી રાત્રે મહારાસ રચ્યો. એ સમયે સંતો, પાર્ષદો, હરિભક્તો અને મહારાજનાં અનેક સ્વરૂપો નવ નવ કુંડાળાંમાં ગોઠવાયાં. વિવિધ પ્રકારનાં વાજિંત્રોનો નાદ થવા લાગ્યો. ભક્તોનાં હૈયા આનંદથી નાચવા લાગ્યાં.
એક સંત, એક હરિભક્ત અને એક મહારાજ. ઝીણાભાઈના દરબારમાં.આમ, ત્રિવેણી સંયોગના સહારે અલૌકિક મનોહર રાસ મંડાણો છે. કહેવાય છે કે અષ્ટ નંદકવિઓ ત્યારે હાજર હતા. જેના ઝીલણિયાની ઝીકથી વાતાવરણ ધણધણી ઊઠ્યું’તું. એવા સમયે શીઘ્રકવિ બ્રહ્મમુનિ છંદ ઉપર છંદ અને કાવ્ય ઉપર કાવ્યની આહ્લેક જગાવતા જગાવતા ગોકુલની ગોપીઓ અને ગોપનાથના રાસની ગાથાને યાદ કરી ને, પ્રસ્તુત પદને ઊંચા આલાપથી ગાઈ ઊઠ્યા.
આવા એ અદ્વિતિય રાસોત્સવમાં, ખુદ શ્રીજી મહારાજ પણ પોતે ઊંચ સ્વરે કીર્તનો ઝીલવા લાગ્યા હતા. આમ પંચાળાનો રસોત્સવ લીલા પૂરી થઈ.
જયાં સ્વામીનારાયણ ભગવાને રંગલીલા તથા રાસલીલા કરી’તી, તેના સ્મારક રૂ૫ે, ત્યાં સુંદર રાસ મંદીર ૫ણ બનાવવામાં આવેલ છે.
જય શ્રી સ્વામિનારાયણ...!
No comments:
Post a Comment